Tuesday 17 December 2019

sex education

#ચેતવણી
#સાવધાન 
#સુગિયા લોકો દૂર રહે આ પોસ્ટ થી

આ બાબત પહેલાં પણ હું મારો આક્રોશ ઠલવી ચૂકી છું. ખબર નથી હજી કેટલી વખત ઠલવીશ. ક્યારે આપણા સમાજમાં સેક્સ માટે ની સુગ દૂર થશે, ક્યારે લોકો પીરીયડ, કોન્ડોમ કે કોઈ પણ ગર્ભનિરોધક પદ્ધતિ વિશે ખૂલી ને ચર્ચા કરશે. ક્યારે સેક્સ એજ્યુકેશન માં સ્થાન પામશે. અત્યારે તો આપણી શિક્ષણ પધ્ધતિ પર ગુસ્સો આવે છે  સાથે અત્યારે ભણતા બાળકો પર દયા આવે છે. અધૂરો ઘડો છલકાય અત્યારે બાળકોની એવી જ પરિસ્થતિ છે. આપણે સારૂ હતું કે અમુક વાતો ભણવામાં જ ન આવતી જ્યારે અત્યારે તો ભણવામાં આવે છે પણ ભણાવવામાં નથી આવતું. કોન્ડોમ હોય કોપર ટી હોય , રીપ્રોડકટિવ સિસ્ટમ હોય કે સેક્સ હોય કંઈ જ આપણને તો ખાસ કંઈ સમજાતું નહી એને ઘણી વાત તો લગ્ન પછી સમજણમાં આવી. આ જ બધી વસ્તુ અત્યારના ભણવામાં આવે છે પણ શાળામાં અપાતું અધૂરું જ્ઞાન એમને વધુ મુંઝવણમાં મૂકે છે. ઉદાહરણ રૂપે ગઈ કાલે મારા પોતાના અનુભવની જ વાત કરું મારા પીરીયડ નજીક આવી રહ્યા છે અને મને એ તકલીફ બહુ તકલીફ આપે છે તો મેં એમ જ ઘરમાં કીધું કે મને નથી થવું પીરીયડમાં હવે શું કામનું? તરત અર્ક બોલ્યો કે કોપર ટી મુકાવી દયો ને, મેં પૂછ્યું તો એને કોપર ટી શું કામ આવે એ ખબર જ નોતી. કોન્ડોમનો ઉપયોગ ક્યાં થાય એ ખબર છે પણ શું કામ અને કેવી રીતે એ ખ્યાલ જ નથી. બાળક કઈ રીતે થાય પુરુષ સ્ત્રીની અલગ અલગ શરીર રચના કઈ રીતે એક થઈ ને બાળક નો અંશ આવે પણ કંઈ જ ખબર ન હતી.  પછી એના પ્રશ્નો ના જવાબ અમે તો આપ્યા જ કારણ શાળામાં આપેલ અધૂરું જ્ઞાન એને તકલીફ ન આપવું જોઈએ. 
આ જ્ઞાન શાળામાં કેમ નહીં અપાતું હોય સ્ત્રી શિક્ષક હોય ઍટલે અચકાતા હોય ? કે વિદ્યાર્થી માં છોકરો એને છોકરી સાથે હોય એટલી અચકાતા હોય? કારણ શું હોય શકે કે કોપર ટી ખબર છે પણ શું કામ કરે એ નથી ખબર. કોન્ડોમ નો ઉપયોગ જેમ થાય તે ખબર નથી પણ કોન્ડોમ શબ્દ ખ્યાલ છે સેક્સ થી બાળક થાય ખબર છે પણ સેક્સ એજ્યુકેશન અપાતું નથી. આઈવીએફ ખબર છે. કુદરત ની રચના છે તેનાં થી અજાણ છે. શું ઉત્સુકતા વધતી રહે તો બાળકોમાં અરાજકતા ફેલાવા ની શક્યતા ન રહે? એક વાલી તરીકે ચિંતિત છું (#માતંગી)

Thursday 26 September 2019

સંગીત ગીત પૂરક

#repeat_post

કહેવાય છે કે અમુક રોગ સંગીત થી દુર કરી શકાય છે. અનુભવેલ વાત છે કે સંગીત થી મન પ્રફુલ્લિત રહે છે. સંગીત ને સાધના નો દરજ્જો આપવામાં આવ્યો છે તો એમ જ વાંચન પણ શારીરિક નહીં પણ માનસિક રોગો નો નાશ કરી જ શકે એમ છે. જેમ સંગીત માં રાગો હોય છે એમ વાંચનમાં વિષયો હોય છે. સંગીત તમને તન અને મન ની શાંતિ આપે છે પણ વાંચવું તો મનની શુદ્ધિ કરે છે. પણ છતાં ગાયકો મ્યુઝીક આર્ટિસ્ટ જેટલું માન સન્માન લેખકો ને મળતું નથી. સંગીત સાથે જ જોડાયેલ ગીતકારોના નામ બહુ ઓછા લોકો ને યાદ હશે.  શબ્દો ને સુંદર રીતે માળા બનાવી આપણી સમક્ષ મુકનાર ગીતકારો નો એટલો જ ફાળો છે જેટલો ગીત ગાનાર કે ગીતમાં સુર સાધનાર સંગીતકાર.
આમ તો દરેક કલા સાધના છે પણ આપણે લેખન ને કલા ગણતા નથી. ભલે લખનાર માટે લખવું અને કવિ માટે કવિતા એક ભક્તિ જ હોય જેનાં થકી એ સર્વશક્તિમાન સાથે એકાકાર થતાં હોય પણ એમને એટલી જગ્યા હજી આ સમાજે આપી નથી. વાંચનમાં રસ ધરાવતાં હોય એમને પૂછી જોજો એક જ જીવનમાં કેટકેટલાય ભવ જોવાઇ જતાં હોય છે. લેખક તો કેટકેટલા વ્યક્તિઓ ને વર્ચ્યુલ જન્મ આપતાં હોય છે. સહેલું જે સરળ લાગતું વાંચન ખરેખર એટલું સહેલું નથી સમય આપવો ચિત ને ચોડવું પડે છે. પણ એક વખત ચિત ચોંટી જાય તો ખૂબ મજા પડી જાય એક અલગ જ અનુભવ મળે પછી વાંચ્યા વગર ભૂખ પણ ન લાગે. વિચારો ઘણાં હોય પણ વિચાર ને યોગ્ય શબ્દો સાથે શણગારી ને ભાવક સુધી મુકવાનું હોય છે જેના માટે યોગ્ય વાતાવરણ અને મૂડ જરૂરી છે.
સંગીત અને લેખન બંને એક બીજાના પૂરક છે જો ગીતના શબ્દો ન હોય તો ખાલી ગીતમાં ખાલી સંગીત અધૂરાપણું દાખવે. શબ્દો ના સથવારે ચલાવાતી નાવડી કેટકેટલાય તોફાનો પાર કરી શકે એમ છે.(MMO)
મારા માટે લખવું એક આરાધના છે. બોલવા કરતાં લખવાનું મને ગમે છે. કોઈ ને પ્રોત્સાહન આપવું કે કોઈ ની સારી બાજુ ને મારા શબ્દો દ્વારા ઉજાગર કરવી ગમે છે. સૌથી વધુ ત્યારે મજા આવે જ્યારે મેં લખેલ કોઈ વાત કે વાર્તા કોઈ અજાણી વ્યક્તિ પોતાની સાથે જોડે મને ઘણી વખત ઘણાં લોકો એ કહ્યું છે કે તમે જાણે મારા મનની વાત લખતાં હો એવું લાગે ત્યારે હું લખું છું એ ને પૂરતો ન્યાય આપું છું એવું લાગે .વાર્તા ના  વિષય તો આસપાસ અને અનુભવો થી મળતાં હોય ત્યારે કોઈ એમ કહે કે મારા જ ઘરની વાત છે તો કેવી મજા આવે   લખવાનો જુસ્સો વધી જાય. ઘણી વખત મને ખાલી ખાલી લાગે ત્યારે હું એક ફકરો પણ લખી નાખું તો મને મજા પડી જાય.
મારી જેમ ઘણાં પોતાના વિચારો ને શબ્દો માં ઢાળવા ઇચ્છતાં હોય ત્યારે તેમને એક જ વાત કહીશ કે જે મગજમાં આવે એ લખી નાખો. આદત બનતી જશે અને ભૂલો સુધરતી જશે.. પણ શરૂઆત કરવી પડશે .

Tuesday 10 September 2019

સંપ્રદાયની_રૂઢિચસ્તતા

આજે પણ  રોજ ની જેમ એક ખાસ સંપ્રદાય ના મંદિર ના દર્શને જવા પોતાના પગરખાં પહેર્યા. ત્યાં જ  જયેશભાઈ ની દીકરી જે પિયર રોકાવા આવી હતી તેની નવ મહિનાની દીકરી દ્વિજા ને રડતી જોઈ ચક્કર પણ મરાય જાય અને દર્શન પણ થઈ જાય તે બહાને તે મંદિરમાં સાથે લઈ ગયાં.   દરરોજની જેમ મંદિર માં દર્શન કરી આગળ ના કક્ષમાં જવા લાગ્યાં ત્યાં કોઈએ રોક્યા અને પૂછ્યું કે " ભાઈ આ તમારા હાથમાં જે બાળક છે તે દીકરો છે કે દીકરી"  જયેશભાઈ એ કહ્યું દીકરી છે. પહેલાં ભાઈએ બોર્ડ તરફ આંગળી કરી કહ્યું કે આના થી આગળ મહિલાઓ નો પ્રવેશ નિષેધ છે. જયેશભાઈ કંઈ પણ બોલ્યા વગર તે મંદિર માં થી પ્રણ સાથે નીકળ્યા કે આવા ધર્મને માનવો તેનાં કરતાં હું નાસ્તિક બની જીવી લઈશ..(#MMO)

Thursday 9 May 2019

સુભગ્નાના_સંજોગ .... વાર્તા



                    સુભગ્ના... દિવસે દિવસે શાંત થવા લાગી હતી રક્ષિત ભાઇ ને વિભા બેન બંને ને એમ લાગ્યું કે લગ્ન નજીક આવી રહ્યા છે માટે એવું હશે. સુભગ્ના એકનું એક સંતાન ભણાવી કોલેજ પૂરી થઈ અને નોકરી પણ મળી ગઈ હતી. પોરબંદર માં એક સીએ ને ત્યાં કોમ્પ્યુટર પર એકાઉન્ટ  લખવાનું. બસ બીજું શું જોઈ પગાર બચાવે કે પોતાના મોજશોખ માં વાપરે છ મહિના થવા આવ્યા ક્યારેય સવાલ કર્યો નથી. કોલેજ ની પરિક્ષા ના છેલ્લા પેપર ને દિવસે જ વિકલ્પ ના ઘરનાં સુભગ્ના ને જોવા આવ્યા હતાં વિકલ્પ એક એન્જીનીયર અને સરકારી વીજળી વિભાગ માં  મોટી પોસ્ટ પર પણ હતો. પાંચ છ વર્ષનો ફેર ફેર થોડો કેવાય એક નો એક દીકરો પપ્પા છે નહી અને મા પણ રીટાયર સરકારી કર્મચારી. ક્યારેય તકલીફ નહી પડે. પણ મમ્મી હજી કોલેજ પૂરી થઈ છે નોકરી કરીશ. મારે મારું કેરિયર બનાવવું છે. અમરેલી માં હું ક્યાં કંઈ કરી શકીશ. સુભગ્ના છોકરી નું કેરિયર અને નોકરી બંને એનાં સાસરિયા ની અનુકુળતા એ  જ હોય.  તું જાણે છે આપણે એટલાં ખમતીધર પણ નથી. તું પરણી જા પછી અમે અમારું તો જોઈ લેશું પણ તારા માટે કેટલું સારું થઈ જશે. રાજ કરીશ રાજ, સુભગ્ના કંઈ ન બોલી વિકલ્પ ને ઓળખવાની વાત તો દૂર સરખો જોયો પણ ન હતો કે કોઈ નિર્ણય લેવાય.                                     
                બીજે દિવસે જ જવાબ આપવાની વાત વિકલ્પના મમ્મી સારંગી બેન કહી ગયા હતાં. જોવો અમારે બીજે વાત ચાલે છે. પણ મને તો તમારી સુભગ્ના પસંદ આવી ગઈ છે. મારે આ દિવાળી એ તો મારી ગૃહ લક્ષ્મી ઘરે જ જોઈએ છે.  તમે જવાબ આપો નહીં તો અમારે ક્યાં છોકરીયું ની ખોટ છે. એક થી એક ચડિયાતા માંગા આવે છે. વિભા બેન અને રક્ષિત ભાઈ એ બે દિવસ નો સમય માંગ્યો લાલચ હતી કે આવું ઘર પછી નહીં મળે તો તેથી નક્કી કર્યું કે સુભગ્ના  ને ઈમોશનલ બ્લેક મેલ કરી હા પડાવવી એ તો હજી અણસમજુ છે એને શું ખબર પડે. એનું સારું તો વિચારીએ છીએ આવો છોકરો દીવો લઇ શોધવા જશું નહી મળે પાછી કોઈ ડિમાન્ડ પણ નથી. દહેજ નું દૂષણ હજી એટલું દૂર થયું ન હતું લોકો રૂપિયા, ગાડી બંગલો ન માંગતા તો દીકરી ને કિલો દાગીના કે કબાટ સેટી lcd એવું માંગતા તે પણ એમ કહી કે તમારી દીકરી ને અગવડ ન પડે માટે.. સાસરે આવ્યા પછી વહુ ને અગવડ ન પડે તેની જવાબદારી તો સાસરા વાળાની જ હોવી જોઈએ. ચાલો ચાલો તૈયાર ને સ્કુટર નો અવાજ સંભળાય છે. વિભા એ કહ્યું.  રક્ષિત કોલેજ દરમ્યાન ઘણાં નાટકો માં ભાગ લિધેલ એટલે આ તો સાવ સરળ લાગતું હતું. તમે દુઃખી ન થાવ જોવો ડોકટર સાહેબે કહ્યું છે કે તમે ચિંતા લેશો તો તમારે બાયપાસ સર્જરી જ કરાવવી પડશે. આટલી ચિંતા ન કરો.. અરે પપ્પા શું થયું મને ઓફિસ ફોન કેમ ન કર્યો. કંઈ નથી થયું એ તો તારી ચિંતા માં ને ચિંતા મા વિચાર વાયુ થઈ ગયો છે પણ ડોકટરે કહ્યું છે કે હવે જો બહુ વિચાર કરશે તો તબિયત વધુ બગડશે..
         પપ્પા તમે શાં માટે આટલી ચિંતા કરો છો. બેટા  તું સમજતી નથી એક બાપ માટે એની દીકરી ને સરસ વર અને ખમતીધર ઘર મળી જાય ને એટલે તે ગંગા નહાય. આ તો અમરેલી માં એક નામાંકિત કુટુંબ છે અને એમાં એક નો એક દીકરો. આપણા ઘર જેવડું તો ત્યાં આગળનું ફળિયું છે. પપ્પા પણ... વિભા બોલી રેવા દયો તે નહિ સમજે નાહાક ની તમારી તબિયત બગડે છે. સુભગ્ના ચૂપચાપ પોતાના રૂમમાં ચાલી ગઈ શું કરવું કંઈ સમજાતું ન હતું એણે નાનપણ થી એક જ સપનું જોયેલ કે એના માતા પિતાને તકલીફ ન પડે. આજે તેને લીધે માતાપિતા દુઃખી થઈ રહ્યા હતાં તે તેને ગમતું ન હતું, થોડીક ક્ષણ માં બહાર આવી ને કહી ગઈ કે પપ્પા તમને જે ઠીક લાગે તે કરો હું કંઈ નહીં કહું અને રક્ષિત ને વિભા રાજી થઈ ગયા કે એમની યુક્તિ સફળ થઈ ગઈ હતી. તરત સારંગી બેન ને ફોન કરી ખુશ ખબર આપી દીધાં અને સગાઈ નું મુહર્ત કઢાવવા પંડિતને ફોન કરી દિધો..(MMO)

 #ક્રમશ: